સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના LL.M. સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસારના ઉદ્દેશ સાથે તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાજકોટની કાલાવડ રોડ સ્થિત વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે કાયદાકીય જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના ‘LIBERTY’ ગ્રુપ દ્વારા સવારે ૧૦:૩૦થી ૧૧:૩૦ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં માનવ અધિકારો, બંધારણીય અધિકારો અને વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન ગ્રુપનાં વિદ્યાર્થીની સિમરન ગોડ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં સુરેશકુમાર બી. કરકરે પર્યાવરણ સંરક્ષણ અને તેના પ્રત્યેની જાગૃતિ, મિત્રાજસિંહ જાડેજાએ ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારો, જયદીપભાઈ ગીડાએ રેગિંગ વિરોધી જાગૃતિ, મદીનાબેન ખીરાએ માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ તથા પુષ્પરાજસિંહ જાડેજાએ પ્રથમ માહિતી અહેવાલ (FIR) અંગે માહિતી રજૂ કરી હતી.
આ જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ, માનવીય ગૌરવ, સમાનતા, માહિતી મેળવવાનો અધિકાર તથા ન્યાય મેળવવાની પ્રક્રિયા જેવા મહત્વપૂર્ણ વિષયોને માનવ અધિકારોના પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા હતા. ખાસ કરીને યુવાનોમાં રેગિંગ વિરોધી જાગૃતિ અને પોતાના બંધારણીય અધિકારો અંગે સમજ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ડૉ. સાગર અમીપરાએ કાર્યક્રમમાં રૂબરૂ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને કાયદાકીય જનજાગૃતિના આ પ્રયાસમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રકારની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા ભવનના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત કરેલા સૈદ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવાની તક મળે છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાહેર સંવાદ, કાયદાકીય વિષયોની રજૂઆત, નેતૃત્વ અને સામાજિક જવાબદારી જેવી કુશળતાઓ વિકસાવવાનો અવસર પ્રાપ્ત થાય છે.
માનવ અધિકારોનું શિક્ષણ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે ભવન દ્વારા કરવામાં આવતી જનજાગૃતિ પ્રવૃત્તિઓમાં આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો હતો.